About Us

જ્ઞાનભારતી એજ્યુકેશન સોસાયટી – સિહોર

ટ્રસ્ટ નં એફ/૨૫૫/ભાવનગર/તા.૩૦-૦૧-૧૯૮૪

                  જ્ઞાનભારતી એજ્યુકેશન સોસાયટી – સિહોર ટ્રસ્ટ મંડળની સ્થાપના ૧૯૮૪માં કરવામાં આવેલ જેનો ઉદ્દેશ સિહોરનાં બાળકોને ઉત્તમ શિક્ષણ આપવાનો હતો આ હેતુસર ૧૯૮૫થી નર્સરી-કે.જી. થી ૨૫-૩૦ બાળકોથી શાળાની શરૂઆત કરવામાં આવેલ હતી. હાલ આ શાળામાં નર્સરી થી ધો-૧૦ સુધીમાં ૧૩૦૦ થી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે.

            સારા શિક્ષણનાં કારણે ઉત્તરોત્તર સંખ્યામાં દર વર્ષે વધારો થતા હવે મોટા સંકુલ બનાવવાની તાતી જરૂરિયાત ઉભી થતા વર્ષ ૧૯૮૯-૯૦ માં જયહિંદ વ્યાયામ મંદિરના ટ્રસ્ટ્રી અને નગર પંચાયત સિહોર દ્રારા જમીન સંપાદીત થતા તેમજ સિહોરના વિકાસમાં સદાય અગ્રેસર રહેતા નંદલાલ મુળજી ભુતા પરિવાર અને જયંતિલાલ કેશવજી મહેતા પરિવાર દ્વારા શાળા સંકુલના બાંધકામ માટેનું દાન મળતા નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવેલ. જેમા હાલ સંપૂર્ણ ભૌતિક સુવિધા – હવા ઉજાસવાળા ૧૯ વર્ગખંડો જેમાં દરેક વર્ગમાં ચાર પંખા, ચાર ટ્યુબ લાઈટો,કબાટ, ખુરશી, બેન્ચીસ ની સુવિધા છે. ઉપરાંત આચાર્ય ઓફીસ-૧, કલાર્ક ઓફીસ-૧ બનાવાયેલ છે. ૨૦ કમ્પ્યુટર ધરાવતી આધુનિક લેબ, સાયન્સ લેબ, ઓડીયો-વિડીયો દ્વારા આધુનિક પધ્ધતિથી શિક્ષણ કાર્ય માટે ઈ-સેન્સ સોફટવેર-૨ જેનુ વાર્ષિક ભાડૂ   ૧,૫૦,૦૦૦ છે. દરેક વર્ગખંડમાં સી.સી.ટી.વી. કેમેરા-ઓડિયો સ્પિકર સુવિધા છે.

           આ ઉપરાંત બાળકો અને શિક્ષકોનાં વાંચન માટેની ૧૫૦૦ ઉપરાંત પુસ્તકો ધરાવતી સોહિલ-પ્રેમ લાઈબ્રેરીની સુવિધા. નર્સરી થી ધો-૪ સુધીના બાળકો માટે રમતનાં આઉટ ડોર-ઈનડોર સાધનો ધરાવતુ પ્લે હાઉસ તેમજ જમનાબેન ભુતા બાળ ક્રિડાંગણ જેમાં આધુનિક સાધનો ઉપલબ્ધ છે.

          શાળામાં વર્ષ ૨૦૧૦ સુધી નર્સરી થી ધો-૭ સુધીનું શૈક્ષણિક કાર્ય ચાલતુ હતુ પરંતુ વાલીશ્રીઓની માંગ અને આગ્રહનાં લીધે વર્ષ ૨૦૦૧ થી માધ્યમિક શાળા શરૂ કરવામાં આવેલ હતુ જેમા એસ.એસ.સી. પરીક્ષાનું પરીણામ ખૂબજ પ્રોત્સાહિત રહેલ છે, જેમાં સિહોર તાલુકાના ટોપ-૧૦ માં મોટા ભાગે આ શાળાનાં જ વિદ્યાર્થીઓનો સમાવેશ થતો આવ્યો છે તેમજ શાળાનું એસ.એસ.સી.નું પરિણામ ૧૦૦% આવે છે જેમાં મોટા ભાગનાં વિદ્યાર્થીઓ ડિસ્ટીંગશન અને ફસ્ટ કલાસ સાથે પાસ થઈ શાળાનું ગૌરવ વધારી રહ્યા છે. શાળામાં શૈક્ષણિક કાર્ય સિવાયની સહ અભ્યાસ ઈતર પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેમાં પ્રોજેક્ટ કાર્ય, રાષ્ટ્રીય-ધાર્મિક તહેવારોની ઉજવણી, વિવિધ સ્પર્ધાઓ, પ્રવાસ-પર્યટન, સાંસ્કૃતિક કાર્યક્રમ, આનંદ મેળો, સ્પોર્ટ ડે ઉજવણી, નિષ્ણાંત વક્તાઓની શિબીરો જેમાં વિદ્યાર્થીઓ અને વાલીશ્રીઓનો પણ સમાવેશ કરવામાં આવે છે.

             વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓ એ શૈક્ષણિક અને અન્ય ક્ષેત્રમાં મેળવેલ સિદ્ધિ બદલ મહાનુભાવોને હસ્તે શિલ્ડ, મેડલ તેમજ રોકડ પુરસ્કાર, પ્રમાણપત્ર એનાયત કરી પુરસ્કૃત કરવામાં આવે છે. આ ઉપરાંત આ શાળામાંથી ઉચ્ચ ટકાવારી સાથે ધો-૧૦ પાસ કરેલ અને આર્થિક પરિસ્થિતી નબળી હોય તેવા વિદ્યાર્થીઓને ` ૨૫૦૦૦/- સુધીની આર્થિક સહાય કરવામાં આવે છે, જેનો લાભ ઘણા વિદ્યાર્થીઓ મેળવી આગળનો અભ્યાસ કરવામાં મદદ રૂપ થયેલ છે. ઉપરાંત આ શાળામાં આર્થિક રીતે નબળા અને ભણવામાં હોશીયાર વિદ્યાર્થીઓને ફીમાં ૫૦% સુધીની રાહત આપવામાં આવે છે. સિહોરની  કોઈપણ શૈક્ષણિક સંસ્થા કરતા આ સંસ્થા ઓછી ફી લઈ સારૂ શિક્ષણ આપવા પ્રયત્નશીલ છે, અને ભવિષ્યમાં જરૂરી સવલતો ઉપલબ્ધ થાઈ તો ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ માટે પણ વિચારે છે.

            શાળામાં આશરે ૪૫ જેટલા લાયકાત ધરાવતા શિક્ષકો કાર્ય કરી રહ્યા છે અને બીન શૈક્ષણિક કુલ-૧૦ સ્ટાફ ફરજ બજાવી રહ્યા છે જેઓને પગાર ઉપરાંત પી.એફ.,મેડીકલ સહાય, સી.એલ. ડબ્બલ રોકડ માં રૂપાંતર, એલ.ટી.સી., તેમજ વર્ષાન્તે સારૂ શૈક્ષણિક કાર્ય કરતા શિક્ષકોને રોકડ પુરસ્કાર પેટે ` ૫૦૦૦૦/- ની રકમની ફાળવણી કરવામાં આવે છે.

            આ શાળામાંથી ભણીને ગયેલ વિદ્યાર્થીઓ પૈકી ૫૦ જેટલા વિદ્યાર્થીઓ હાલ વિદેશમાં સારી પોઝીશન ઉપર છે, અને દર વર્ષે આ શાળામાંથી અભ્યાસ પૂર્ણ કરીને જતા વિદ્યાર્થીઓ પૈકી ૮૫% જેટલા દાક્તરી અને ઈજનેરીના અભ્યાસમાં જોડાઈ છે, જે દર્શાવે છે કે ભૂતકાળમાં સંસ્થા જે હેતુસર શરૂ કરવામાં આવેલ તેમાં સહુકોઈની ભાગીદારી થી સફળતા મેળવી રહી છે. આ સંસ્થા સેવાકિય અને વિદ્યાર્થીઓનાં ઘડતરમાં હંમેશા તત્પર છે.